ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેઓ સ્વાતંત્ર સેનાની હતા અને કોંગ્રેસ પક્ષનાં નેતા હતા.
તેઓએ ભારતનાં સ્વાતંત્રતા સંગ્રામ માં આગળ પડતો ભાગ લીધેલ. તેઓશ્રીએ બંધારણ સભાના પ્રમુખ તરીકે ભારતનાં બંધારણનો મુસદ્દો તૈયાર કરેલ. તેઓએ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે સેવા આપેલી.
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ અને મહાન દેશભક્ત ડૉ.રાજેન્દ્ર પ્રસાદ નમ્રતા, સાદગી અને સરળતાના પ્રબળ પક્ષધર હતા.
ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ ૩ ડિસેમ્બર, ૧૮૮૪ના રોજ બિહારમાં આવેલા સારન જિલ્લાના જીરાદેઈ ગામમાં થયો હતો. એમના પિતા મહાદેવ સહાય એક સારા વૈદ્ય હતા.રાજેન્દ્ર પ્રસાદની માતા એક ધાર્મિક વિચારો ધરાવતી ગૃહિણી હતા. તેઓ પોતાના બાળકને ભજન-કિર્તન અને ધાર્મિક વાર્તાઓ દ્વારા એમનામાં ધાર્મિક ભાવનાના સંસ્કારોનું સિંચન કરતા હતા. રાજેન્દ્રજી પોતાના પરિવારમાં સૌથી નાના હતા, એટલે પરિવારના લોકો વધુ પ્રેમ કરતા હતા.તેઓ બાળપણથી જ શાંત સ્વભાવના હતા. પાંચ વર્ષ સુધી એમના શિક્ષણની વ્યવસ્થા ઘરમાં જ કરવામાં આવી હતી. રાજેન્દ્રજીને ભણવાનો ખૂબ જ શોખ હતો. તેઓ મન લગાવીને ભણતા હતા.
આરંભિક શિક્ષણ છપરામાં સંપન્ન થતાં આગળનો અભ્યાસ કરવા તેઓ કોલકત્તાની પ્રેસીડેન્સી કોલેજમાં દાખલ થયા ત્યાં એફ.એ.ની પરીક્ષામાં રાજેન્દ્રજી વિશ્ર્વ વિદ્યાલયમાં પ્રથમ ઉત્તીર્ણ થયા હતા. સન ૧૯૦૬માં રાજેન્દ્રજીએ બી.એ. અને સન ૧૯૦૭માં એમ.એ.ની ડિગ્રી અંગ્રેજી માધ્યમમાં પાસ કરેલ. સન ૧૯૦૯માં બી.એલ.ની પરીક્ષા આપી અને સન ૧૯૧૧માં કોલકત્તા હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી. જેનાથી રાજેન્દ્રજીને ધન અને યશ બંને મળ્યા.
સન ૧૯૧૫માં મહાત્મા ગાંધી સાથે રાજેન્દ્ર બાબુની મુલાકાત થઈ. રાજેન્દ્ર બાબુની સાદગી અને સરળતાથી ગાંધીજી પ્રભાવિત થયા હતા. ગાંધીજી દ્વારા ‘ચંપારણ્ય સત્યાગ્રહ સમયે રાજેન્દ્ર બાબુએ ભરપુર સાથ અને સહકાર આપતા ગાંધીજી રાજેન્દ્ર બાબુને પોતાનો જમણો હાથ માનવા લાગ્યા. ત્યારબાદ રાજેન્દ્ર બાબુએ ચંપારણ્યમાં મહાત્મા ગાંધી નામનું પુસ્તક લખ્યું હતું.
સત્યાગ્રહ આંદોલનમાં તેમણે પોતાના અદમ્ય સાહસનો પરિચય આપ્યો હતો. જ્યારે બિહારમાં બિહાર વિદ્યાપીઠની સ્થાપના થઈ ત્યારે તેઓ આ વિદ્યાપીઠના ઉપકુલપતિ અને કુલપતિ બનેલ, પરંતુ તેઓ રાજનીતિ અને સ્વાધિનતા સંગ્રામમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.૧૫ જાન્યુઆરી, ૧૯૩૪ના રોજ બિહારમાં વિનાશકારી ભૂકંપ આવ્યો તે સમયે રાજેન્દ્ર બાબુની તબિયત ખરાબ હતી. તેઓ અસ્વસ્થ હોવા છતાં તેઓ ભૂકંપ પીડિતોની સહાય કરવા લાગ્યા. રાજેન્દ્ર બાબુએ ધૈર્યપૂર્વક આ કાર્ય પૂર્ણ કર્યું હતું.સ્વતંત્રતા આંદોલન અને અન્ય સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેવા છતાં તેઓ ગ્રામીણ લોકોને મળવાનો સમય કાઢતા હતા. જ્યારે તેઓ પોતાના ગામ જીરાદેઈ જતા ત્યારે ત્યાંની સ્ત્રીઓ પોતાની ચિઠ્ઠીઓ લઈને રાજેન્દ્ર બાબુ પાસે વંચાવવા આવતી.
સન ૧૯૩૪માં જ્યારે મુંબઈમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું ત્યારે રાજેન્દ્ર બાબુ આ અધિવેશનના અધ્યક્ષ તરીકે નિમણુંક પામ્યા હતા. જ્યારે ૧૯૪૨માં ‘ભારત છોડો આંદોલન સમયે રાજેન્દ્ર બાબુની ધરપકડ કર્યા બાદ તેઓ અહેમદનગરની જેલમાં કેદ કરાયા હતા. ત્યારે તેઓ જેલમાં કાંઈક ને કાંઈક લખતા રહેતા હતા. એમણે 'ઇન્ડિયા ડિવાઈડેડ (ખંડિત ભારત)' નામનું પુસ્તક લખ્યું હતું. તે દેશની વિભાજન સમસ્યા પરનું સૌથી પ્રમાણિક પુસ્તક કહેવાતું હતું. એમણે પોતાની ૧૯૦૦ પાનાની આત્મકથા પણ લખી હતી.
૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ભારતનું નવું સંવિધાન લાગુ પડ્યું. તેઓ ભારતના સંવિધાન સમિતિના અધ્યક્ષ હતા. ભારતનું સંવિધાન બન્યા બાદ રાજેન્દ્ર બાબુ સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા. જો કે ૧૯૫૭માં પુન: તેઓ આરૂઢ થયા હતા.સન ૧૯૬૨ સુધી રાજેન્દ્ર બાબુ રાષ્ટ્રપતિ પદ પર રહીને દેશ સેવા કરતા રહૃાા. ૧૯૬૨માં જ ડૉ.રાજેન્દ્ર પ્રસાદને ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ‘ભારત રત્ન આપીને સન્માન કરવામાં આવેલ.
0 Comments
Post a Comment